મુનાવરખાન બેલીમ, સુરેન્દ્રનગર: ઉતરાયણના તહેવાર પર દાન-પુણ્યનું અનોખું મહત્વ છે. લોકો પોતાની શક્તિ મુજબ દાન કરતા હોય છે. વઢવાણ પાંજરાપોળમાં આશ્રય લઇ રહેલા અબોલ જીવોના નિભાવ ખર્ચ ને પહોચી વળવા વર્ષોથી સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાએ દાન સ્વીકાર કેન્દ્ર ખોલવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે પણ અનેક દાન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યાં લોકો મોટી સંખ્યા માં રોકડ દાન લખાવી રહ્યા છે.
વઢવાણ મહાજન પાંજરાપોળ માં જીલ્લાભર માં થી 4200 થી વધુ અબોલ જીવો ને કોઈપણ જાત ના ચાર્જ વગર આશ્રય આપવામાં આવી રહ્યો છે, જ્યાં નિયમિત રીતે સવાર સાંજ દરેક અબોલ ગાયોને ઘાસ-ચારા સહીત પાણીની સગવડતાઓ પૂરી પાડવામાં આવે છે. વઢવાણ પાંજરાપોળને આ અબોલ ગાયો માટે એક પશુ દીઠ રૂપિયા 30 લેખે દેનિક 1.50 લાખ અને વાર્ષિક અંદાજે 3.5 કરોડ જેટલો ખર્ચ થાય છે. ત્યારે આ ખર્ચને પહોચી વળવા માટે શહેરની સામાજિક અને જીવદયા સંસ્થા દ્વારા ઉતરાયણ પર્વ પર સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરમાં 45 થી વધુ દાન સ્વીકાર કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.
આવા દાન સ્વીકાર કેન્દ્ર દ્વારા દર વર્ષે 35 થી 40 લાખ જેટલું દાન એકત્ર કરી વઢવાણ મહાજન પાંજરાપોળ ને મદદરૂપ થાય છે. ચાલુ વર્ષે પણ ચાર દિવસમાં લાખો રૂપિયા નું દાન એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ દાન સ્વીકાર કેન્દ્ર ચાર-પાંચ દિવસ સુધી કાર્યરત રહે છે અને લોકો પોતાની શક્તિ મુજબ દાન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે